કોલકાતામાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. જેને લઇને સમગ્ર દેશમાં ઠેર ઠેર ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માગ કરી રહ્યા છે. આ સાથે ડોક્ટરો દ્વારા ઇમર્જન્સી સેવા સિવાય OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવી છે. ત્યારે આજે (20 ઓગસ્ટ) અમદાવાદ સિવિલમાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો 40 ટકા પ્લાન્ટ સર્જરી-ઓપરેશન ઓછાં કરાયાં છે. સુરતની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતા જિલ્લાના 55 ડોક્ટરોને બોલાવામાં આવ્યા છે તો રેસિડેન્ટ ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો ડોક્ટરો દ્વારા હોસ્પિટલ કેમ્પસની સફાઈ સાથે વિરોધ પ્રદર્શન કરી ડીનને રજૂઆત કરવામાં આવી હતી.