લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો આજે (11 જુલાઈ) 60મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસની રાજકોટની વિરાણી બહેરા-મૂંગા શાળાનાં બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે તેમણે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની વોરમાં મધ્યસ્થી બનવાની તૈયારી બતાવી હતી. ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓએ 5 વર્ષ કામ કરવું જોઈએ એવી ટકોર કરી હતી. આ સાથે જ અમુક લોકો દ્વારા સમાજનાં કામમાં રોડા નાખવાનું કામ સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વધુમાં જણાવ્યું હતું કે આજે ઓફિશિયલી સિનિયર સિટિઝન બન્યો છું. છેલ્લાં સતત 25 વર્ષથી મારા જન્મદિવસે રક્તદાન કેમ્પો થાય છે. આ વખતે વિરાણી બહેરા-મૂંગા પ્રકારની રાજકોટ શહેર ગુજરાત અને આફ્રિકા મળી 82 જેટલી સંસ્થાઓ ધરાવતા ટ્રસ્ટીઓ અને મિત્રમંડળ દ્વારા આ સંસ્થાઓને જે પણ જરૂરિયાતો હોય તેમને પૂરી પાડવામાં આવે છે, જે બદલ હું મારા મિત્રોનો આભારી છું. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાના પ્રશ્ન મારી સમક્ષ આવશે તો એને દૂર કરવા માટે મારા પ્રયત્નો રહેશે.