રાજ્યભરમાં મકરસંક્રાંતિનું પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. પરંતુ આ પર્વ ઉપર પતંગની કાતિલ દોરી પક્ષીઓના મૃત્યુનું કારણ બને છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિના દિવસે ઘાયલ પક્ષીઓની સારવાર માટે એનિમલ હેલ્પલાઇન 1962 જાહેર કરવામાં આવી છે. આ દિવસે 21 નિદાન કેન્દ્ર પર 28 તબીબો અને 39 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રહેશે.
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “કરુણા અભિયાન” હેઠળ ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આજે કલેક્ટર કચેરી ખાતેથી અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી દ્વારા પક્ષીઓની સારવાર અર્થે “એનિમલ હેલ્પલાઇન 1962″ની 7 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કરુણા અભિયાન હેઠળ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કરુણા 1962ની 22 એમ્બ્યુલન્સ, એનિમલ હેલ્પલાઇનની 11 એમ્બ્યુલન્સ, 3 બાઈક એમ્બ્યુલન્સ, 2 અદ્યતન હાઇડ્રોલીંક એમ્બ્યુલન્સ, જીવદયા ઘરની 1 એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન માટેની તૈયારી સાથે વિવિધ વેટરનરી ડૉક્ટરોની ટીમ સ્ટેન્ડ ટુ રહેશે.
જુનાગઢ અને આણંદથી 18 તબીબો સેવા માટે રાજકોટ આવશે. તેમજ પશુપાલન વિભાગના 10 ડૉક્ટરોની ટીમ તાલુકા કક્ષાએ ફરજ નિભાવશે. ત્વરિત સારવાર માટે 21 નિદાન કેન્દ્રો, ક્લેકશન સેન્ટર સાથે જિલ્લાની તમામ તાલુકાઓની રેન્જ કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. વધુમાં પક્ષી નિદાન કેન્દ્રોની માહિતી માટે વોટ્સએપ મોબાઈલ નં. 832000200 ઉપર “Karuna” મેસેજ લખીને https://bit.ly/krunaabhiyan ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર વિગતો મળશે.