રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મંગળવારે ધોળા દિવસે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગોગામેડી સાથેની ઘટના વખતે હાજર રહેલા અજિત સિંહને ગંભીર ઈજા થઈ હતી. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરનાર ગેંગસ્ટર રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લેતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સુખદેવ સિંહ ગોગામેડીનું ઘર જયપુરમાં શ્યામનગર જનપથ પર છે. મંગળવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ 3 હુમલાખોર તેમના ઘરે પહોંચ્યા હતા. પહેલા તો હુમલાખોર સોફા પર બેસી ગયા અને ગોગામેડી સાથે વાત કરવા લાગ્યા. લગભગ 10 મિનિટ પછી તેઓ ઊભા થયા અને ધડાધડ ગોળીઓ વરસાવવા લાગ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે ગોગામેડીને ચાર ગોળી વાગી હતી. ગોળીબાર દરમિયાન ગોગામેડીના ગાર્ડે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બદમાશોએ તેના પર પણ ફાયરિંગ કર્યું હતું. જતા- જતા એક હુમલાખોરે ગોગામેડીને માથામાં ગોળી મારી હતી. ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક હુમલાખોર નવીનને ગોળી વાગી હતી અને તેનું પણ મોત થયું હતું.
ફાયરિંગ બાદ હુમલાખોરો ભાગી રહ્યા હતા અને શેરીમાંથી નીકળીને એક કારને રોકીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ડ્રાઈવરને પિસ્તોલ બતાવી ત્યારે તે કાર દોડાવીને જતો રહ્યો હતો. આ દરમિયાન તેમણે પાછળથી આવી રહેલા સ્કૂટી સવાર અમિતને નિશાન બનાવ્યો હતો. સ્કૂટી સવારને ગોળી મારી ઇજા પહોંચાડી અને સ્કૂટી લઇને ફરાર થઇ ગયા હતા. માહિતી મળતાં જ શ્યામનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.