સરકારની જેમ પરિવારનું મંત્રીમંડળ ધરાવતા રાજકોટના ભૂવા પરિવારના મોભી અને મુખ્યમંત્રી તરીકે સેવા આપતા કલાભાઈ ભૂવાનું નિધન થયું છે. રાજકોટની નામાંકિત અટોમાઈઝ કંપની ચલાવતા આ પરિવારના સૌથી મોટા કલાભાઈ જે સામાજિક, આર્થિક કે બિઝનેસને લગતા કોઈ પણ પ્રશ્નનો આખરી નિર્ણય લેતા હતા. તેની વચ્ચે 14મીએ રાત્રે 70 વર્ષની ઉંમરે હાર્ટએટેકથી અવસાન થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
વર્તમાન સમયમાં પરિવારો તૂટી રહ્યા છે, તેવા સમયે મૂળ રાજકોટ નજીક માખાવડ ગામનો ભૂવા પરિવાર કે જેણે પરિવાર પોતાનું બંધારણ અને મંત્રીમંડળ બનાવ્યું હતું. ભૂવા પરિવારના બે ભાઈઓ કલાભાઈ અને છગનભાઈના ચાર દીકરાઓ સાથે મળી અટોમાઈઝ નામની કંપની ચલાવે છે. ત્યારે કંપનીની સાથે કુટુંબનો પણ વિકાસ થાય તે માટે પરિવારના કમલેશભાઈની દીર્ઘદૃષ્ટિથી મંત્રીમંડળ બનાવાયું હતું. જેમાં સૌથી મોટા કલાભાઈ પરિવારના મુખ્યમંત્રી તરીકે સેવા આપતા હતા. સાથે જ તે પરિવાર અને કંપનીના તમામ નિયમો અને આખરી નિર્ણય લેતા હતાં. દરેક લોકો માટે પ્રેરણારૂપ ભૂવા પરિવારના મોભી કલાભાઈનું અચાનક અવસાન થતાં 20 પરિવારના સભ્ય પર આફતનું આભ તૂટી પડ્યું છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા ગુરુવારે મોટી સંખ્યામાં લોકો ઊમટ્યાં હતા અને આ પરિવાર પર આવી પડેલા દુ:ખમાં સહભાગી બન્યા હતાં. મહત્ત્વનું છે કે, ગઈકાલે ગુરુવારે દિવ્ય ભાસ્કરમાં ભૂવા પરિવારનો અહેવાલ પણ પ્રસિદ્ધ થયો હતો અને 21મી સદીમાં આ પરિવારના સંપ, સમજણને લોકોએ બિરદાવી હતી તેમજ કલાભાઈને મળવા અનેક લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેની વચ્ચે મોડી રાત્રે તેમના નિધનના સમાચાર મળતા સૌ કોઈ શોકમગ્ન થયા હતા.