મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વોર 2’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને એ ધાર્યા કરતાં વધારે એક્શનથી ભરપૂર દેખાઈ રહ્યું છે. 1 મિનિટ 34 સેકન્ડના ટીઝરની શરૂઆત હૃતિક અને જુનિયર NTRની ઝલકથી થાય છે. ઉપરાંત આ એક્શન ફિલ્મમાં કિયારા અડવાણીનું ગ્લેમર તાપમાન વધારશે. એક્ટ્રેસના બોલ્ડ અવતારની એક જ ઝલક બતાવવામાં આવી છે, પરંતુ એમાં પણ તેણે પોતાની સ્ટાઈલથી બધાને પ્રભાવિત કર્યા છે. આ કિયારાનો ફિલ્મમાં સૌથી પહેલો બિકીની સીન છે.
ફેન્સ અયાન મુખર્જીની ‘વોર 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે મેકર્સે જુનિયર NTRના જન્મદિવસ નિમિત્તે ‘વોર 2’નું ટીઝર રિલીઝ કર્યું, જેમાં હૃતિક RAW એજન્ટ મેજર કબીર ધાલીવાલની ભૂમિકા ફરી ભજવતો જોવા મળે છે. આ ફિલ્મ NTRની હિન્દી સિનેમાની શરૂઆત છે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
ટીઝરની શરૂઆતમાં જુનિયર NTRનો વોઈઝઓવર છે, જેમાં તે હૃતિક રોશન એટલે કે કબીરને મળવાની ઇચ્છા વ્યક્ત કરે છે. તે કબીરને ભારતના શ્રેષ્ઠ સૈનિક અને RAWના શ્રેષ્ઠ એજન્ટ તરીકે વર્ણવે છે, જોકે તેઓ એમ પણ કહે છે કે ભલે તે કબીરની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યો હોય, પણ કબીર તેમના અસ્તિત્વથી અજાણ છે. જુનિયર NTR કબીરને ઓપન ચેલેન્જ આપે છે, ‘તુમ મુઝે નહિ જાનતે, લેકિન તુમ મુઝે જલ્દ હી જાન જાઓગે.’