કુવાડવા તાબેના ફાડદંગની સીમમાં આવેલા 100 વર્ષ જૂના વાંધારી મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ખાબક્યા હતા. ફાડદંગના મહિલા સરપંચના પતિ ગિરીશભાઇ કાનજીભાઇ કથીરિયાએ ચોરીની ઘટના અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગિરીશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંદિરની બારી તોડી અંદર ઘૂસેલા તસ્કરો મંદિરમાં મૂર્તિ પરથી સોનાની બૂટી, નાકની નથણી, ચાંદીનું છત્તર, ચાંદીનો મુગટ સહિત કુલ રૂ.1.92 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
મંદિરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં મધરાત્રીના ત્રણ બુકાનીધારી ખાબક્યા હોવાનું ખુલ્યું હતું અનેક લોકોની આસ્થાના પ્રતીક આ મંદિરમાં ચોરીની ઘટના બનતા શ્રદ્ધાળુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઊઠી હતી.