રાજકોટ જિલ્લાનાં ધોરાજીનાં જામકંડોરણા રોડ પર એસટી બસના ચાલકે અચાનક જેસીબી સામે આવી જતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ કારખાનાની દિવાલમાં ઘૂસી ગઇ હતી જેના પગલે ચાર મુસાફરને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા. એસટી બસ જામનગરથી ઉના જઇ હતી ત્યારે ધોરાજી પાસે આ અકસ્માત થયો હતો.
જામનગરથી ઉના તરફ જતી એસટી બસ જામકંડોરણા અને ધોરાજી ગામ વચ્ચે આવેલા વેગડી નજીક ભગવતિ પોલીમર્સ પાસે પહોંચી ત્યારે અચાનક એક જેસીબી ચાલક સામે આવી ગયો હતો અને તેની સાથે બસ અથડાતી અટકાવવા બસના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ નજીકના કારખાનાની દિવાલ તોડીને અંદર ઘૂસી જવા પામી હતી.
આ સમયે બસમાં અંદાજે 40 થી 45 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટનામાં ડ્રાઈવર સહિતનાં ચાર પેસેન્જર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બસના ડ્રાઇવરે જણાવ્યું હતું કે જેસીબી ચાલકનો જ વાંક હોવા છતાં તેણે કારણવગર માથાકૂટ કરી હતી, એટલું જ નહીં, બસ કારખાનાની દિવાલ તોડીને અંદર ઘૂસી જતાં માલિકને પણ સારું એવું નુકસાન થયું છે. તપાસ ધોરાજી તાલુકા પોલીસ ચલાવી રહી છે.