જયપ્રકાશ એસોસિએટ્સને ખરીદવા માટે અદાણી ગ્રુપે સૌથી વધુ બોલી લગાવી છે. આ સમાચાર સામે આવ્યા પછી, આજે જેપી પાવરના શેરમાં 15%થી વધુનો ઉછાળો આવ્યો છે. તેમજ, જેપી એસોસિએટ્સના શેરમાં 5%ની અપર સર્કિટ લાગી છે.
જયપ્રકાશ એસોસિએટ્સ એક સમયે ભારતની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં ગણાતી હતી. પરંતુ આજે આ કંપની ભારે દેવાના બોજને કારણે નાદારીની પ્રક્રિયામાં ફસાઈ ગઈ છે.
1995માં બનેલી જેપી એસોસિએટ્સ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ, પાવર, હોસ્પિટાલિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં કામ કરતી હતી. તેની પાસે દિલ્હી અને નોઈડા જેવા શહેરોમાં જેપી વિશટાઉન જેવા મોટા-મોટા પ્રોજેક્ટ્સ હતા. પરંતુ કંપનીએ પોતાનો બિઝનેસ વધારવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મોટી લોન લીધી.
જ્યારે કંપની આ લોન પર વ્યાજ અને હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગઈ ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. પ્રોજેક્ટ્સમાં વિલંબ, બજારમાં મંદી અને મેનેજમેન્ટની કેટલીક ભૂલો પણ આનું કારણ બની.
આખરે, 3 જૂન, 2024ના રોજ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની અલ્હાબાદ બેન્ચે કંપનીને નાદારી કાર્યવાહીમાં મોકલી દીધી.
ફેબ્રુઆરી 2025માં કંપની પર ₹55,493.43 કરોડનું દેવું હતું. 2007માં આ કંપનીના શેરનો ભાવ 300 રૂપિયાની આસપાસ હતો. આજે તે ૩ રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.