પટકથા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે તાજેતરમાં પાકિસ્તાની કલાકારો પરના પ્રતિબંધ અંગે સ્પષ્ટપણે કહ્યું છે કે, “વર્તમાન સમયમાં જે કંઈ બન્યું છે, તે પછી, આ પ્રશ્ન પૂછવો જોઈએ નહીં કે, તેમના પર પ્રતિબંધ મૂકવો યોગ્ય છે કે નહીં. કારણ કે, હવે પાકિસ્તાન પ્રત્યેની મૈત્રીપૂર્ણ લાગણી સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે.” આ સાથે તેમણે કહ્યું છે કે, “પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવાની તક આપવી એ સંપૂર્ણપણે એકતરફી છે, કારણ કે, આજ સુધી લતા મંગેશકરનું એક પણ પરફોર્મન્સ પાકિસ્તાનમાં થવા દેવામાં આવ્યું નથી.” તેમણે આ કામ કરવાની એકપક્ષીય રીતનું સંપૂર્ણપણે ખંડન કર્યું છે.
જાવેદ અખ્તરે તાજેતરમાં પીટીઆઈ (ન્યૂઝ એજન્સી- પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા) ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “પ્રશ્ન એ હોવો જોઈએ કે, શું આપણે પાકિસ્તાની કલાકારોને અહીં કામ કરવાની મંજૂરી આપવી જોઈએ. તેના બે જવાબ છે અને બંને તાર્કિક છે. આ હંમેશા એકતરફી બાબત રહી છે. નુસરત ફતેહ અલી ખાન ભારત આવ્યા, મહેંદી હસન ભારત આવ્યા, ગુલામ અલી ભારત આવ્યા, નૂરજહાં ભારત આવ્યાં. તે મહાન કલાકારો હતા. ફૈઝ અહમદ ફૈઝ પણ આવ્યા, તેઓ સબકૉન્ટિનન્ટ કવિ હતા. હું તેમને પાકિસ્તાની કવિ નહીં કહું. તેઓ પાકિસ્તાનમાં રહેતા હતા, કારણ કે તેમનો જન્મ ત્યાં થયો હતો પરંતુ તેઓ પ્રેમ અને શાંતિના કવિ હતા. જ્યારે અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા, ત્યારે તેઓ ભારત આવ્યા, ત્યારે તેમને રાજ્યના વડા જેવો આદર આપવામાં આવતો હતો. સરકારે પણ તેમને ખૂબ માન આપ્યું પણ મને દુઃખ છે કે, બદલામાં કંઈ કરવામાં આવ્યું નહીં. મને પાકિસ્તાનના લોકોથી કોઈ ફરિયાદ નથી.”
જાવેદ અખ્તરે આગળ કહ્યું, “પાકિસ્તાનના મહાન કવિઓએ લતા મંગેશકર માટે ગીતો લખ્યા છે. 60-70ના દાયકામાં તે ભારત અને પાકિસ્તાનની સૌથી લોકપ્રિય ગાયિકા હતાં પરંતુ આજ સુધી પાકિસ્તાનમાં તેમનું એક પણ પરફોર્મન્સ થયું નથી. મને પાકિસ્તાની લોકોથી કોઈ ફરિયાદ નથી. ત્યાંના લોકોને તે ગમતાં હતાં પણ તેમનો રસ્તો રોકવામાં આવ્યો હતો. સિસ્ટમે દખલ કરી, જે હું ક્યારેય સમજી શકીશ નહીં. આ એક તરફી ટ્રાફિક છે, ક્યાંકને ક્યાંક આપણે તેનાથી કંટાળી ગયા છીએ કે આ વાત તો બરાબર નથી. અમને તમારા તરફથી કોઈ જવાબ મળતો નથી. આ ક્યાં સુધી ચાલુ રહેશે?”