જનાના હોસ્પિટલનાં કર્મચારીઓનો હોબાળો

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મેન પાવર પૂરો પાડતી એજન્સીઓને સમયસર બિલ નહીં મળતા હજારો કર્મચારીઓ બે મહિનાથી પગાર વગરના રહ્યા છે. હોસ્પિટલનાં 400 જેટલા નર્સિંગ સ્ટાફનો છેલ્લા બે મહિનાથી પગાર નહીં થતા સિવિલ હોસ્પિટલ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ અંગેની રજૂઆત બાદ વહીવટી અધિકારીએ આ પ્રક્રિયા ચાલુ હોવાની અને બે દિવસમાં પગાર મળી જવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

બે દિવસમાં તમામ કર્મચારીઓને પગાર મેળવવાની ખાતરી આપી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની જનાના હોસ્પિટલમાં ફરજ બજાવતા 400 જેટલા નર્સિંગ સ્ટાફને છેલ્લા બે મહિનાથી પગાર મળ્યો નથી. જેને પગલે કર્મચારીઓ અકળાયા હતા અને આજે સવારનાં 11 વાગ્યે મોટી સંખ્યામાં કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ અધિક્ષકને રજૂઆત કરવા દોડી ગયા હતા. આ કર્મચારીઓએ થોડીવાર માટે ઉગ્ર રજૂઆત કરી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ અંગેની જાણ થતાં સિવિલ હોસ્પિટલનાં વહીવટી અધિકારી આર.એમ. ચૌહાણ દોડી ગયા હતા અને પગાર પ્રક્રિયા ચાલુ હોવાથી બે દિવસમાં તમામ કર્મચારીઓને તેમના બેન્ક એકાઉન્ટમાં મળવાની ખાતરી આપી હતી.

નર્સિંગ સ્ટાફ અને વહીવટી અધિકારી આર. એમ ચૌહાણ વચ્ચેની વાતચીતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કર્મચારી જણાવી રહ્યો છે કે, અમે ભાડે રહીએ છીએ. જ્યાં સમયસર ભાડું ચૂકવવું પડે છે. તેની સામે અમે જ્યારે પૂછીએ ત્યારે પગાર આજે થશે અને કાલે થશે એવું જણાવવામાં આવે છે પણ પગાર થતો નથી ત્યારે વહીવટી અધિકારીએ જણાવ્યું કે, તમારે અહીં નામ લખાવીને મને મળી લેવાનું એટલે સાચી હકીકત જાણી શકાય. ત્યારે કર્મચારીએ જણાવ્યું હતું કે, અમારી સેલેરી 15-17 તારીખે થાય છે. તેની બદલે 5 તારીખ સુધીમાં થાય તે જરૂરી છે. આ અંગે પણ ચૌહાણે જણાવ્યું કે, અમારો પૂરતો પ્રયાસ છે પણ જનાના હોસ્પિટલ શરૂ થઈ ત્યારે ગ્રાન્ટ નહોતી પરંતુ, આવતા વર્ષથી બધું સમયસર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *