રૂપાયતન રોડ સ્થિત ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરિ અને પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીની નિશ્રામાં વિવિધ વિષયો ઉપર વિચાર સંગોષ્ઠિ ચાલી રહી છે. નવકાર લેખન દ્વારા લાખો લોકોના મન શાંત થાય છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિઓ નવકારના સ્મરણ માત્રથી દૂર થાય છે. તંત્ર શક્તિ અને યન્ત્રશક્તિ કરતાં પણ મંત્રશક્તિનો પ્રભાવ અચિન્ત્ય અને અલૌકિક છે. મનને નિયંત્રણ કરવાનું કામ નમસ્કાર મહામંત્રનું છે. યન્ત્રશક્તિ એ યુદ્ધને આમંત્રણ આપ્યું છે. હિંદુસ્તાન યુદ્ધની નહીં પણ ગૌતમબુદ્ધ, મહાવીર પ્રભુ અને મહાત્મા ગાંધીની શાંતિની ભૂમિ છે.
અહિંસા એ આપણા જીવનનો આદર્શ હોવો જોઈએ. હિંસાનું આ દેશમાં કોઈ સ્થાન નથી. પર્વો અને ઉત્સવોની ઉજવણી ભારત દેશમાં ભાવોલ્લાસ સાથે થાય છે. હોમ, હવન અને યજ્ઞની પવિત્ર ક્રિયાઓ અને અનુષ્ઠાનો ભારતનું ભાગ્ય છે. કુંભમેળામાં કરોડો લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે એ કોઈ જળ સ્નાન નથી પણ હૈયાનાં ભાવોનું અને હિન્દુત્વની આસ્થાનું સ્નાન છે. શૌર્ય, સત્ત્વ અને પવિત્રતા ભારતની વિશ્વમાં આગવી ઓળખ છે. ધાર્મિક અનુષ્ઠાનો દેશનું પુણ્ય વધારે છે.
વિદેશની ધરતી ઉપર ભારત જેવી ભવ્ય સંસ્કૃતિ જોવા નહીં મળે. હિન્દુસ્તાન મંદિરો, સાધુ, સંતો અને સજ્જનોની ભૂમિ છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે હિંસાનો હુતાશન વારંવાર સળગી ઊઠે છે. રશિયા અને યૂક્રેન લડી લઈને ઘાયલ થઈ રહ્યા છે. હિંદુપ્રજામાં હજુ પણ કૌવત અને દૈવત છે. વિદેશમાં આગ, ધરતીકંપ અને જલપ્રલય વગેરે છાશવારે ને છાશવારે થતા હોય છે. જ્યાં ધર્મ અને સંસ્કૃતિનાં મૂલ્યો જીવતાં છે ત્યાં સુખ અને શાંતિનું વાતાવરણ જોવા મળે છે.