અયોધ્યામાં રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે, જેને લઈને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે સાત સમંદર પાર અમેરિકામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ શ્રદ્ધાળુઓએ ‘જય શ્રીરામ’ના નારા સાથે ભારે ઉત્સાહથી અદભુત કાર રેલી યોજી હતી. આ રેલીમાં જોડાયેલી કારોમાં અયોધ્યા મંદિરના ધ્વજ સાથે સાથે ભારત અને અમેરિકાના ધ્વજ પણ રાખવામાં આવ્યા હતા. ‘જય શ્રીરામ’ના નારા સાથે નીકળેલી આ રેલી 6 કલાકમાં 11 મંદિરમાં રોકાઈ હતી.
રામભક્તોની 216 કાર સાથે રેલી યોજાઈ
અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા અમેરિકાના મંદિર પ્રશાસનને ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મહોત્સવને લઈ ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં રહેતા રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અમેરિકાના હ્યુસ્ટન અને મિશિગનમાં બે દિવસ પહેલાં રામમંદિર, ભારતીય ધ્વજ અને અમેરિકન ધ્વજ સાથેના ભગવા બેનરોને લઈને 500થી વધુ લોકો દ્વારા 216 કાર સાથે આ રેલી યોજવામાં આવી હતી.