રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની સૂચનાના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગોળના હોલસેલરને ત્યાંથી સેમ્પલ લેવા એક ખાસ ડ્રાઇવ યોજ્યા બાદ બીજી સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી અને વધુ 8 સ્થળેથી ગોળના નમૂના લઇ પરીક્ષણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તેમજ ફૂડ શાખાએ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાનામવા રોડ પર આવેલ “L & G ફૂડ(અમ્રિતસરી હાટી)” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ દાઝિયું અખાદ્ય તેલનો અંદાજિત 6 કિ.ગ્રા. જથ્થો મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન પરાબજાર મેઇન રોડ પર ગોળપીઠમાં આવેલા અન્નપૂર્ણા ટ્રેડર્સમાંથી પેંડી ગોળ, ગિરિરાજ એન્ટરપ્રાઇઝમાંથી ડબ્બાનો ગોળ, ન્યૂ ઘી કાંટા રોડ પર કંદોઇ બજારમાં આવેલા ચંદ્રકાંત એન્ડ કુ.માંથી દેશી ગોળ, મવડી મેઇન રોડ પર યશ સુપર માર્કેટમાંથી દેશી ગોળ, ઉદયનગર-1માં શિવભૂમિ કોમ્પ્લેક્સમાં શિવશક્તિ કરિયાણા ભંડારમાંથી લૂઝ ગોળ, સહયોગ હોસ્પિટલ પાસે પટેલ ગોળ ભંડારમાંથી કાવેરી શુધ્ધ ગોળ પાઉડર અને મવડી મેઇન રોડ વત્સ સુપર માર્કેટ, અકાઝા ઇન્ટરનેશનલ પ્રા.લી.માંથી કૃતિકા શુધ્ધ ગોળ પાઉડર તથા ઝિલિયોન નેચરલ જગેરીના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત આજી ડેમ પાસે ખાદ્યચીજોનું વેચાણ કરતા 21 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરાઈ હતી જેમાં 9ને લાઇસન્સ લેવા સૂચના અપાઈ હતી.