રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી આઈટીઆઈના સર અને મેડમના ટોર્ચરથી વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. મેડમ અને સરના લીધે જ હું આત્મહત્યા કરું છુ એને સજા મળવી જોઈએ તેવો વીડિયો બનાવી ઉપલેટાના 19 વર્ષીય યુવાને મોત વ્હાલું કરી લેતા હવે ઉપલેટા પોલીસમાં બંને શિક્ષકો સામે મરવા મજબુર કરવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી રાજેશભાઇ મનજીભાઈ ભાસ્કર (ઉ.વ.40)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે દીકરા છે જેમા સૌથી મોટો દીકરો કુલદીપ છે. જે મજુરી કામ કરે છે અને તેનાથી નાનો ધાર્મિંક હતો જે ડુમીયાણી ખાતે આવેલ આઇ.ટી.આઇ.માં વાયરમેનનો કોર્ષ કરતો હતો. છેલ્લા 8 મહિનાથી મારો નાનો દીકરો ધાર્મિક આઇ.ટી.આઇ. ઉપલેટા (ડુમીયાણી) ખાતે અભ્યાસ કરવા જતો હતો. ગત તા.05.02.2025ના રોજ મારો નાનો દીકરો ધાર્મિક અમારા ઘરે ઉપરના રૂમમાં જાતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ અંગે ઉપલેટા પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાર્યવાહી કરી હતી.
ત્યાર બાદ અમે અમારા દીકરા ધાર્મિકના મોબાઇલમા તપાસ કરતા મારા દીકરા ધાર્મિકે જ્યારે ગળાફાસો ખાધેલ તે પહેલા વીડિયો તથા ફોટા પાડેલ હતા અને વીડિયોમા તેણે જણાવ્યું હતું કે “હું ભાસ્કર ધાર્મિક ઉપલેટા આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરૂ છુ. અને મારા મેડમ અને સર માનસિક ટોર્ચર કર્યા રાખે છે હું જે પણ આ કરુ છુ એ મેડમ અને સરના લીધે જ કરુ છુ એને સજા મળવી જોઇએ”. મારા દીકરા ધાર્મિકે અમને અગાઉ જાણ કરી હતી કે અમારા મેડમ અને સર મને માનસિક ટોર્ચર કર્યા રાખે છે જેથી અમે મારા દીકરાને સમજાવતા હતા કે આપણે અભ્યાસમાં ધ્યાન આપવાનું હોય જેથી આ અંગે અમે કોઈને ફરીયાદ કરેલ ન હતી.