હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર-પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાને કારણે બે દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે, જેને કારણે વરસાદની સંભાવનાઓ વધી જતી હોય છે, આથી આજે આ ઘટનાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હાલમાં મધ્ય ગુજરાતના ભાગો, એટલે કે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળાં ડિબાંગ વાદળો બંધાયાં છે. અમદાવાદ શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે જ વાતાવરણમાં ગઈકાલના વરસાદને કારણે ઠંડક પ્રસરી છે. આજે પણ મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.