UNની આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)એ રવિવારે જણાવ્યું હતું કે ઈરાન થોડા મહિનામાં તેનો ન્યૂક્લિયર પ્રોગ્રામ ફરી શરૂ કરી શકે છે. IAEAના ડિરેક્ટર રાફેલ ગ્રોસીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઈરાનની કેટલીક પરમાણુ સુવિધાઓ હજુ પણ અકબંધ છે.
ઇઝરાયલે 13 જૂને ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણા પર હુમલા શરૂ કર્યા હતા. બાદમાં અમેરિકાએ B-2 બોમ્બરોથી હુમલો કરીને ઈરાનના ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પરમાણુ ઠેકાણાઓનો નાશ કરવાનો દાવો કર્યો હતો.
હુમલાઓ પછી, ઈરાને IAEAને ફોર્ડો પરમાણુ ઠેકાણાની તપાસ કરતા અટકાવ્યું. ઈરાને IAEA સાથેની તેની ભાગીદારી તોડી નાખી છે. ગ્રોસીએ કહ્યું કે, પરમાણુ ઠેકાણાઓએ શું છે અને શું થયું તે જાણવું મહત્વપૂર્ણ છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમેની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ બંધ કરવાની ચેતવણી આપી છે.
અરાઘચીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ટ્રમ્પનું વલણ માત્ર ખોમેનીનું જ નહીં, પરંતુ તેમના લાખો સમર્થકોનું પણ અપમાન કરે છે. જો ટ્રમ્પ ઈરાન સાથે સોદો ઇચ્છે છે, તો તેમણે પોતાની ભાષા બદલવી પડશે.
અરાઘચીનું આ નિવેદન ટ્રમ્પના તે દાવા બાદ આવ્યું છે જેમાં અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમણે ખોમેનીને મરતા બચાવ્યા હતા, નહીં તો તેમનું મૃત્યુ ખૂબ જ ખરાબ થયું હોત.