ઈરાને પોતાના પરમાણુ મથકો પર થયેલા હુમલાનો બદલો લેવા માટે કતારમાં અમેરિકાના અલ-ઉદેદ એર મિલિટરી બેઝ પર મિસાઈલ છોડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કતારની રાજધાની દોહામાં ઘણા વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.
થોડા સમય પહેલા જ કતરે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. કતારમાં અલ-ઉદેદ એર બેઝ મધ્ય પૂર્વમાં સૌથી મોટું યુએસ મિલિટરી બેઝ છે. તે લગભગ 8,000થી 10,000 યુએસ સૈનિકોનું ઘર છે.
અહેવાલો અનુસાર, ઈરાને ઈરાકમાં યુએસ ઠેકાણાઓ પર પણ મિસાઈલ છોડી છે. અલ-ઉદેદ એર બેઝ પર 10 મિસાઈલ અને ઇરાકમાં યુએસ મિલિટરી બેઝ પર એક મિસાઈલ છોડવામાં આવી છે. દોહા ઉપર જ્વાળાઓ જોવા મળી છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ એર ડિફેન્સ સિસ્ટમમાંથી નીકળેલી જ્વાળાઓ છે કે મિસાઈલ.
આજે વહેલી સવારે સિરિયાના હાસાકા પ્રાંતમાં અમેરિકાના મિલિટરી બેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હતો કે નહીં તે જાણી શકાયું નથી.