ઇઝરાયલના અનેક શહેરો પર ઇરાનના હુમલા

શુક્રવારે સાંજે ઈરાને ફરીથી તેલ અવીવ, બીરશેબા, હાઈફા સહિત ઈઝરાયલના અનેક શહેરો પર મિસાઈલ હુમલા કર્યા. અલ જઝીરાના અહેવાલ મુજબ, હાઈફામાં મિસાઈલ પડવાથી 23 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 16 વર્ષની સગીર સહિત ત્રણની હાલત ગંભીર છે.

આજે સવારે ઈરાને ઈઝરાયલી શહેર બીરશેબામાં માઈક્રોસોફ્ટ ઓફિસ નજીક બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો. આનાથી ઘણી કારમાં આગ લાગી ગઈ. નજીકના ઘરોને પણ નુકસાન થયું. ગુરુવારે ઈરાને બીરશેબામાં એક હોસ્પિટલ પર મિસાઈલ છોડ્યું, જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. ઈઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે, ઈરાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલી નાખ્યું છે. ઓપરેશન સિંધુ હેઠળ, ભારત સરકાર આગામી બે દિવસ દરમિયાન 3 ખાસ ચાર્ટર્ડ ફ્લાઇટ્સમાં લગભગ 1 હજાર ભારતીય નાગરિકોને ત્યાંથી બચાવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીયોને લઈને બે ફ્લાઇટ્સ શુક્રવાર રાત સુધીમાં ભારત પહોંચશે અને એક ફ્લાઇટ શનિવાર બપોર સુધીમાં ભારત પહોંચશે. આ ફ્લાઇટ્સની વ્યવસ્થા ભારત સરકારે કરી છે. આ ફ્લાઇટ્સ ઈરાનના મશહદથી ઉડાન ભરશે અને દિલ્હીમાં ઉતરશે.

અગાઉ, 19 જૂને 110 ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનથી ભારત આવ્યા હતા. જોકે, તેમને જમીન સરહદ દ્વારા ઈરાનથી બહાર કાઢવામાં આવ્યા હતા. કારણ કે 13 જૂને ઇઝરાયલી હુમલા પછીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ઈરાનનું હવાઈ ક્ષેત્ર બંધ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *