એક તરફ અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ શાંત પડવાના સંકેતને કારણે વૈશ્વિક સ્તરે ટેરિફ તણાવની ભીતિ ઘટી હોવાથી અને બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે પૂર્ણ યુદ્ધનું જોખમ ઘટતાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ શેરબજારમાં ફરી વળેલી મંદી ગયા મહિને અટકી હતી, તેના પરિણામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ભારતમાં ફરી મોટાપાયે ખરીદી ચાલુ રહેતાં તેમજ ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસે ફંડોનું રોકાણ વધતું રહેવાથી અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાના પોઝિટીવ પરિબળની સાથે કોર્પોરેટ ઈન્ડિયાના પરિણામોમાં પસંદગીના સારા રિઝલ્ટના આકર્ષણને કારણે સ્થાનિક બજાર પોઝીટીવ ઝોનમાં રહ્યું હતું.
ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો ન થવાના કારણો જોઈએ તો ડીઆઈઆઈ અને એફઆઈઆઈની ઘટાડા પર ખરીદી, બ્રેન્ટ ક્રૂડ 63 ડોલરની નીચે, ડોલર ઇન્ડેક્સ 100 ની નીચે, છેલ્લા 1 મહિનામાં ડોલર ઇન્ડેક્સ સામે ભારતીય રૂપિયામાં વધારો, ભારતને ચીન / અન્ય સામે સારો વેપાર સોદો મળવાની શક્યતા, ભારતીય કોર્પોરેટ્સની બેલેન્સ શીટ ખૂબ જ લીવરેજ્ડ ન હોવી, રાજકોષીય ખાધ નિયંત્રણમાં, આરબીઆઈ દ્વારા બેંકોને સારી તરલતા પૂરી પાડતા અને ક્રેડિટ વૃદ્ધિમાં વધારો થવાની શક્યતા, ફુગાવો નિયંત્રણને લીધે થોડા વધુ દરમાં ઘટાડો થવાની શક્યતા, પરિણામો મોટે ભાગે ઇન-લાઇન, લાર્જ કેપ્સમાં મૂલ્યાંકન એટલા મોંઘા ન હોવા તેમજ નિફ્ટી-500 બાસ્કેટ નફામાં વૃદ્ધિ આગામી 2-3 વર્ષ માટે ઓછામાં ઓછા 10-11% ની આસપાસ રહેવાની ધારણા જેવા કારણોનો સમાવેશ થાય છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.45% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.23% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4202 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1460 અને વધનારની સંખ્યા 2562 રહી હતી, 180 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.