ગુજરાતનાં ડીજીપી દ્વારા સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગઈકાલે વિવિધ સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સતત બીજા દિવસે શહેરની કોર્પોરેશન અને બહુમાળી સહિતની સરકારી કચેરીઓ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખાસ હેલ્મેટનાં નિયમનો ભંગ કરવા બદલ અનેક સરકારી કર્મચારીઓ અને મુલાકાતીઓ દંડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ શહેરની કોર્પોરેશન અને બહુમાળી કચેરી તેમજ કલેક્ટર ઓફિસ સહિતના સ્થળે સવારથી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ પહેર્યા વિના જ આવેલા અનેક સરકારી કર્મચારીઓને સ્થળ પર રૂ. 500 દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરી દરમિયાન કેટલાક કર્મચારીઓ પોતાના વાહન બહાર જ પાર્ક કરવા લાગ્યા હતા. જ્યારે મનપા કચેરીમાં આધાર કાર્ડ સહિતની કામગીરી માટે આવનારાઓએ દંડ ભરવો પડતાં કચવાટ જોવા મળ્યો હતો.