હ્યુમન મેટાન્યુમોવાઇરસ’એ દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં પણ તાજેતરમાં જ આ રોગના કેસ નોંધાયા છે જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગે તો સાવચેતી માટેની એક ગાઈડલાઈન જાહેર કરી હતી. શાળા-કોલેજોમાં શિક્ષણ વિભાગે કોઈ ગાઈડલાઈન કે સૂચનો જાહેર કર્યા નથી, પરંતુ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તમામ વાલીઓને બાળકોને માસ્ક પહેરીને જ શાળાએ મોકલવા સૂચના આપી છે. રાજકોટના શાળા સંચાલકોએ ‘પેનિક નહિ પ્રિકોશન’ સાથે પેરેન્ટ્સને મેસેજ આપ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે, બાળકોને શાળાએ માસ્ક પહેરીને મોકલવા અને વધુ શરદી-ઉધરસ કે ઇન્ફેક્શન હોય તો સ્કૂલે ન મોકલવા અપીલ કરી છે.
HMPV વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ છે, જેમાં બેંગલુરુ અને ગુજરાતના અમદાવાદમાં કેસ નોંધાયા હતા. બાળકોને આ વાઈરસની વધુ અસર થઈ રહી છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને પણ આ ચેપ લાગી શકે છે. જોકે શિક્ષણ વિભાગે બાળકો માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેટલીક ખાનગી સ્કૂલોએ તકેદારીના ભાગરૂપે સ્કૂલ માટે જાતે જ ગાઈડલાઇન બનાવી છે, જેનું શાળાઓ દ્વારા પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે HMPV વાઇરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો હોવાથી વાલીઓમાં પણ ડર ફેલાયો છે. આ વાઈરસની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે.
રાજકોટમાં પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું કે, તમામ ખાનગી શાળાના ટ્રસ્ટી-પ્રિન્સિપાલને આ વાઈરસ અંગે વાલીઓને સૂચના આપવા જણાવ્યું છે. વાલીઓને સંદેશ અપાયો છે કે, HMPV વાઇરસને પગલે વાલીઓએ ‘પેનિક નહિ પ્રિકોશન’ રાખવા જણાવ્યું છે. બાળકોને માસ્ક પહેરાવવા અને વધુ શરદી-ઉધરસ કે ઇન્ફેક્શન હોય તો સ્કૂલએ ન મોકલવા પણ અપીલ કરી છે.