રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શુક્રવારે કાલાવડ રોડ આવેલ ન્યારી-1 ડેમ સાઈટ, કટારિયા ચોકડી ખાતે 3-લેયર મલ્ટિલેયર ફ્લાયઓવર બ્રિજની ચાલતી કામગીરી અને ડાયવર્ઝન રૂટ તેમજ યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક ખાતે બની રહેલ વોંકળાની કામગીરી અંગે સ્થળ મુલાકાત કરી હતી. ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ન્યારી-1 ડેમની વિઝિટ કરી હતી. જ્યારે કટારિયા ચોકડી ખાતે ડાયવર્ઝન રૂટ પૂર્ણતાના આરે છે તેમજ સર્વેશ્વર ચોક ખાતેના વોંકળાની કામગીરી ઝડપી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત અધિકારી અને એજન્સીઓના પ્રતિનિધિને સૂચના આપી હતી.
આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને ન્યારી-1 ડેમ ખાતે સાઈટ વિઝિટ કરી મ્યુનિસિપલ કમિશનરે ડેમનું નિરીક્ષણ કર્યું હતું. કટારિયા ચોકડી ખાતે દૈનિક હજારોની સંખ્યામાં પસાર થતાં વાહનોના પરિવહનને સમગ્ર પ્રોજેકટ દરમિયાન અસર ના થાય તે અંગેનું આગોતરું આયોજન કરી તેના રૂટ ડાયવર્ઝનની કામગીરી પૂર્ણતાને આરે છે. કટારિયા ચોકડી ખાતે મ્યુનિસિપલ કમિશનરે ચાલતી રૂટની કામગીરી અંગે પ્રોગ્રેસ રિપોર્ટ મેળવ્યો હતો. સર્વેશ્વર ચોક ખાતે ચાલી રહેલ વોંકળાની કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરે ચાલુ કામગીરી નિહાળી સંબંધિત અધિકારી અને એજન્સીના પ્રતિનિધિઓને કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી.