રાજકોટ તાલુકાના અણીયારા ગામમાં જળસંચય અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના ઉદ્દેશ્ય સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શહેરની નજીકના આ વિસ્તારમાં ફળ, શાકભાજી અને કઠોળનું વાવેતર વધુ થાય છે, જેમાં મીઠા પાણીની જરૂરિયાત રહે છે.
શહેરમાં વધતી જતી ઊંચી ઇમારતો અને 2000થી 2500 ફૂટના બોરના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંડા જતા રહ્યા છે. આ સમસ્યાના સમાધાન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટે ચેકડેમના રિપેરિંગ અને નવા ચેકડેમ બનાવવાની યોજના બનાવી છે.
ટ્રસ્ટે સૌરાષ્ટ્રમાં 11,111 ચેકડેમો અને 11,111 રીચાર્જ બોર બનાવવાનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમમાં સમ્રાટ સબમર્સીબલ પ્રાઇવેટ લિમિટેડના ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ જાદવભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું.
ગ્રામસભામાં સરપંચ શીતલબેન નારણભાઈ ખેર, ઉપસરપંચ ગોવિંદભાઈ રામજીભાઈ મકવાણા સહિત ગામના અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ આ પ્રોજેક્ટમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. આ પહેલથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે.