રાજકોટમાં ઈન્ડિયા ઈન્ડસ્ટ્રિયલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ 2 ફેબ્રુઆરીથી થશે.આ એક્ઝિબિશનમાં રેલવેના તમામ વિભાગો પહેલીવાર એકસાથે ભાગ લેશે અને તમામ અધિકારીઓ દિલ્હી,મુંબઈથી આવશે. આ સિવાય ઉદ્યોગકારોને સરળતા રહે તે માટે જેમ રજિસ્ટ્રેશન ઘરઆંગણે કરવાની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.આ રજિસ્ટ્રેશન સરકારી વિભાગમાં ખરીદ-વેચાણ માટે પોર્ટલ પર રજૂ કરવું ફરજિયાત છે.આ અંગે કોઇ ચાર્જ લેવામાં આવશે નહિ તેમ લઘુ ઉદ્યોગ ભારતીના ગણેશભાઈ ઠુમ્મરે જણાવ્યું છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર આ એક્ઝિબિશનમાં મેક ઈન ઈન્ડિયાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અલગ-અલગ ક્ષેત્રમાં પોતાની વિવિધ પ્રોડક્ટ બનાવી શકે તેને વૈશ્વિક ઓળખ મળે તે હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી રેલવે વિભાગમાં અનેક સાધનો સપ્લાય થાય છે. હજુ અનેક ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટસની સપ્લાય કરી શકે છે, પરંતુ તેઓને આ પ્રોડક્ટ કેવી રીતે પહોંચાડવી, સપ્લાય સિસ્ટમ શું છે તે અંગેની જાણકારી હોતી નથી. આથી આ અંગે સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ- અલગ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. આ એક્ઝિબિશનમાં રેલવે માટે ખાસ અલગથી ડોમ ફાળવવામાં આવ્યો છે.