રાજકોટના મવડી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં આજથી રમતગમતનો પ્રારંભ થનાર છે. રજિસ્ટ્રેશન કરાવનાર સભ્યોને લાભ લેવા પદાધિકારીઓએ અનુરોધ કર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.12માં મવડી – પાળ રોડ, રામધણ આશ્રમની પાસે, મવડી ખાતે રૂ.23.16 કરોડના ખર્ચે 11831 ચો.મી. ક્ષેત્રફળના પ્લોટમાં નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામા આવેલ છે. આ નવા ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રથમ તબક્કામાં કુલ-4 સ્પોર્ટ્સ ફેસિલિટી આવતીકાલ તારીખ 16થી શહેરીજનો માટે શરૂ કરવામાં આવે છે જેના માટે ઓનલાઇન મેમ્બરશિપ તારીખ 5થી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી શરૂ કરવામાં આવી હતી. જેમાં આજ તા.15ને 11 વાગ્યા સુધીમાં બેડમિન્ટનમાં 320, બાસ્કેટબોલમાં 37, લોન ટેનિસમાં 41 અને વોલીબોલમાં 59 નાગરિકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, મવડી ખાતે બનાવવામાં આવેલ ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવેલ બેડમિન્ટન, બાસ્કેટબોલ, લોન ટેનિસ અને વોલીબોલ રમત માટે આવતીકાલથી નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. બેડમિન્ટનમાં 320 નાગરિકની કેપેસીટી સામે 320, બાસ્કેટબોલમાં 80 નાગરિકની કેપેસીટી સામે 37, લોન ટેનિસમાં 80 નાગરિકની કેપેસીટી સામે 41 અને વોલીબોલમાં 112 નાગરિકની કેપેસીટી સામે 59 નાગરિકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બાકીની જગ્યા માટે રજિસ્ટ્રેશન શરૂ છે.