ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને સપોર્ટ કરતા તુર્કી અને અઝરબૈજાનનો ભારતના એજન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા સ્પાઈસ ઈમ્પોર્ટ ફેડરેશને બોયકોટ કરતાં પાકિસ્તાનના મિત્રદેશોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. દર વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન તુર્કી અને અઝરબૈજાન જવા માટે ટૂરિસ્ટોમાં જે ધસારો જોવા મળે છે એમાં આ વખતે બોયકોટને કારણે 60 ટકાનો ઘટાડો થયો છે અને બુકિંગ પણ મોટેપાયે રદ થયું છે. તો હવેથી ભારતથી તુર્કીમાં જતાં મરચાં-મસાલા મોકલવાનું બંધ કરાયું છે તો તુર્કીથી ભારતમાં આવતા ડ્રાયફ્રૂટ્સને હવે અમેરિકા કે અફઘાનિસ્તાનમાંથી ખરીદાશે.
નવું બુકિંગ 60 ટકા ઘટી ગયું છે રાજકોટ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનના પ્રમુખ ગોપાલ ઉનડકટે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે તુર્કી અને અઝરબૈજાન જવા માટેનાં બુકિંગ નહિવત્ થઈ ગયાં છે અને કોઈપણ જાતનું બુકિંગ થતું નથી એવું કહીએ તોપણ ચાલે. કેન્સલેશન પણ ખૂબ જ આવે છે અને નવું બુકિંગ 60 ટકા ઘટી ગયું છે.
ટૂરિસ્ટો સિંગાપોર, બાલી, મલેશિયા અને વિયેતનામ જવાનું પસંદ કરે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે તુર્કી અને અઝરબૈજાનને બદલે ટૂરિસ્ટો સિંગાપોર, બાલી, મલેશિયા અને વિયેતનામ જવાનું પસંદ કરે છે.