ભારતના ડો.આરોહ બરજાત્યા નાસાના મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર

યુએસએમાં બે દાયકા બાદ 8મી એપ્રિલે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. સૂર્યગ્રહણ દરમિયાન પૃથ્વીની સપાટીથી 90થી 500 કિમી ઊંચે આવેલા આયનોસ્ફિયર તરીકે ઓળખાતા હવાના એક આવરણમાં કયા ફેરફારો થાય છે ? તેનો નાસા દ્વારા સંશોધન પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેમાં નાસાએ 3 રોકેટ આયનોસ્ફિયરમાં મોકલ્યા હતા. આ પ્રોજેક્ટના મિશન ડાયરેક્ટર ભારતીય ડો.આરોહ બરજાત્યા હતા. મૂળ જયપુરના પણ વડોદરામાં વર્ષોથી વસતાં તેમનાં બહેન અપૂર્વાને તેમણે આ મિશનની કેટલીક રસપ્રદ બાબતો અને તૈયારીની તસવીરો મોકલાવી છે. ડો.આરોહ બરજાત્યા અમેરિકાના ફ્લોરિડાની એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ફિઝિક્સના પ્રાધ્યાપક છે. માનવજાતિ માટે આ મિશન એટલા માટે અગત્યનું હતું કે, સૂર્યગ્રહણ દરમિયાન આયનોસ્ફિયરના રેડિયો સિગ્નલ વિખેરાય છેે. તેની અસર પૃથ્વી પરના મોબાઇલ ફોન, ટીવી સહિતના તમામ સંદેશાવ્યવહાર અને વીજપ્રણાલી પર પણ થાય છે. આ અસર કેટલી થાય છે તે આ અભ્યાસ પરથી જાણવાનો પ્રયાસ કરાયો છે. આગામી સમયમાં આ મિશનના અભ્યાસનાં તારણો વિશ્વ સમક્ષ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *