નવી શિક્ષણનીતિમાં ભારતીય જ્ઞાન પરંપરા તથા સ્કિલ ડેવલોપમેન્ટ અગત્યનું છે : નિખિલેશ્વરાનંદજી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 59મા સ્થાપના દિવસની શુક્રવારે વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી દ્વારા સરસ્વતી માતાનું પૂજન કરી પ્રથમ કુલગુરુ અને આદ્યસ્થાપક ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. 59મા સ્થાપના દિવસે રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી, કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી, પૂર્વ કુલપતિઓ પ્રોફે. કમલેશ જોષીપુરા તથા પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડૉ. રમેશ પરમારના વરદ હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ફરજ બજાવતા શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ કે જેમણે 25 વર્ષ સેવાના પૂર્ણ થયા હોય તેઓની સેવાઓને બિરદાવી ‘પ્રશસ્તિ પત્ર’ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પાવન વિદ્યાધામ છે. સંસ્કાર અને સંસ્કૃતિના પાયામાં ગુણવત્તાયુકત શિક્ષણ રહેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે રામકૃષ્ણ આશ્રમે MOU કર્યા છે એ પણ ખુબ આનંદની વાત છે. નવી શિક્ષાનીતિમાં ભારતીય જ્ઞાન પરંપરા તથા સ્કિલ ડેવલોપમેન્ટ અગત્યનું છે. પૂર્વ કુલપતિ પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણે કહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક નાના સ્વરૂપે અસ્તિત્વમાં આવી અને આજે વટવૃક્ષ બની કાર્યરત છે. આ 58 વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખુબ પ્રગતિ થઈ છે. પૂર્વ કુલપતિ પ્રોફે. કમલેશ જોષીપુરાએ કહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એલ્યુમનાઈ આજે વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચકક્ષાએ જવાબદારીઓ વહન કરી રહ્યા છે. યુનિવર્સિટી માટે જાત ઘસી નાખનારા કર્મયોગીઓ છે. આ યુનિવર્સિટીનો પરિવાર આત્મશીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *