ભારતીય IT કંપનીઓની USથી આવક ઘટી, યુરોપના દેશોમાંથી વધી

એક તરફ જ્યાં ભારતીય આઇટી કંપનીઓની અમેરિકન માર્કેટમાંથી થનારી કમાણીમાં ઝડપથી ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ યુરોપ અને એશિયા પેસિફિકના માર્કેટમાં થનારી કમાણી આઇટી કંપનીઓ માટે રાહતનું કામ કરી રહી છે. ટેક સર્વિસ પર થનારા કુલ 108.36 લાખ કરોડના કુલ વૈશ્વિક ખર્ચમાં ઉત્તર અમેરિકાનો હિસ્સો 50%થી વધુ છે. પરંતુ આર્થિક અનિશ્ચિતતા વધવાથી તેમજ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનો રૂટ અપનાવવાને કારણે કંપનીઓ પોતાના ખર્ચમાં ઘટાડો કરી રહી છે.

તેનાથી આઇટી સેવા ઉપલબ્ધ કરાવતી ભારતીય કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે. દેશની ત્રણ મોટી આઇટી કંપનીઓમાં સામેલ ટીસીએસ અને ઇન્ફોસિસની કમાણી ગત નાણાકીય વર્ષ 2023-24માં સિંગલ ડિજિટમાં વધી રહી છે. જ્યારે વિપ્રોની કમાણી ઘટી છે. આ ત્રણ કંપનીઓનું અમેરિકન માર્કેટમાં પ્રદર્શન નબળું રહ્યું છે. પરંતુ બ્રિટન, યુરોપ અને અન્ય હિસ્સા અને ભારત, એશિયા પેસિફિકના વિસ્તારોમાં થયેલા સારા બિઝનેસને કારણે ભારતીય આઇટી કંપનીઓને તેની અસરને ઘટાડવામાં મદદ મળી છે.

દેશની સૌથી મોટી આઇટી કંપની TCSની આવક 4.1% વધીને 2.43 લાખ કરોડ રૂપિયા રહી છે. પરંતુ કંપનીના સૌથી મોટા માર્કેટ નોર્થ અમેરિકાથી આવકમાં 0.2%નો ઘટાડો થયો છે. ટીસીએસની યુકેથી આવક 16.5%ના હિસ્સા સાથે ગત નાણાકીય વર્ષમાં 10% વધી હતી. વીમા કંપની અવીવાની સાથે 15 વર્ષના સોદા અને જેએલઆરની સાથે 71,450 કરોડ રૂપિયાની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ડીલથી યુકેમાં ટીસીએસને મદદ મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *