ઈસ્લામાબાદ પોસ્ટ અનુસાર, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે.
ઈસ્લામાબાદ પોસ્ટના અહેવાલમાં રાજદ્વારી સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે – પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી સત્તાવાર વિનંતી મળી છે. જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
અહેવાલમાં જણાવાયું છે કે આ સત્તાવાર વિનંતી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક નવો અધ્યાય જોડે છે, કારણ કે ભારત સરહદપારની ઘટનાઓમાં સંડોવાયેલા લોકોને પકડવા અને ન્યાય અપાવવામાં પાકિસ્તાન પાસેથી સહયોગ માંગે છે. જો પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, તો બંને દેશોના સંબંધિત અધિકારીઓ વચ્ચે સહયોગ અને વાતચીતની જરૂર પડશે.
હાફિઝ સઈદ હાલ જેલમાં છે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સ અને પાકિસ્તાની પત્રકારોએ પણ ખુલાસો કર્યો છે કે સઈદ જેલમાં નથી, પરંતુ તેના ઘરે છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIની દેખરેખ હેઠળ તે જેલમાં રહેવાને બદલે ઘરે જ રહે છે તેના મજબૂત પુરાવા છે. સઈદ લગભગ ચાર વર્ષથી કોઈ જાહેર મંચ પર જોવા મળ્યો નથી.