મહિલા T-20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને કચડ્યું

મહિલા T-20 વર્લ્ડ કપમાં બુધવારે ભારતે શ્રીલંકાને 82 રને હરાવ્યું છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમ 19.5 ઓવરમાં 90 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ જીત સાથે ભારતની સેમિફાઈનલની આશા જીવંત છે. ટીમ ગ્રૂપ-Aના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 52 રનની અણનમ ઇનિંગ રમી હતી. સ્મૃતિ મંધાનાએ 50 અને શેફાલી વર્માએ 43 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ચમારી અટાપટ્ટુ અને અમા કંચનાને 1-1 વિકેટ મળી હતી. સ્મૃતિ મંધાના રન આઉટ થઈ હતી.

શ્રીલંકા માટે કોઈ પણ ખેલાડી મોટી ઇનિંગ્સ રમી શકી નહોતી. કવિશા દિલહારીએ સૌથી વધુ 21 રન બનાવ્યા હતા. અનુષ્કા સંજીવનીએ 20 અને અમા કંચનાએ 19 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ ખેલાડીઓ સિવાય અન્ય કોઈ બે આંકડાને સ્પર્શી શક્યું નથી. ભારત તરફથી અરુંધતિ રેડ્ડી અને આશા શોભનાએ 3-3 વિકેટ લીધી હતી. રેણુકા સિંહે બે વિકેટ લીધી હતી. દીપ્તિ શર્મા અને શ્રેયાંકા પાટિલને 1-1 વિકેટ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *