રાજકોટમાં સ્કૂલવાનને 20ને બદલે 40 કિમી.ની ગતિ મર્યાદા વધારી આપો

શહેરમાં શાળાકીય સત્ર શરૂ થાય તે પહેલાં ઘેટાં-બકરાંની માફક બાળકોને બેસાડતા સંચાલકોને નિયમોનુસાર સ્કૂલવાન ચલાવવા આરટીઓ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે કેટલી ત્રુટિઓને કારણે મૂંઝવણમાં મુકાયેલા સ્કૂલવાન સંચાલકોએ મંગળવારે કલેક્ટર પ્રભવ જોષીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સ્કૂલવાન સંચાલકો બહાદુરસિંહ ગોહિલ, અજયભાઇ બોરીચા સહિતનાઓએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, શહેરમાં ત્રણ હજારથી વધુ સ્કૂલવાન દોડે છે. તકેદારીના ભાગ રૂપે તમામે વાનમાં ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા છે.

સરકારની ગાઇડલાઇન મુજબ સ્કૂલવાનની ગતિ મર્યાદા 20 કિ.મી.ની છે. જે મર્યાદા અતિશયોક્તિ ભરેલી હોય તેને બદલે 40 કિ.મી. ગતિ મર્યાદા કરી આપવાની માગણી કરી છે. તદઉપરાંત 12 વર્ષથી અંદરના 14 બાળકને બેસાડવાનો નિયમ હોય અમદાવાદમાં સ્કૂલવાનમાં સીએનજી ટાંકી પર બાંકડો મૂકી બાળકોને બેસાડવામાં આવે છે, પરંતુ રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને પગલે આરટીઓ તંત્ર દ્વારા સીએનજીની ટાંકી પર બાંકડો મૂકવા પર મનાઇ ફરમાવી છે. ત્યારે નવું શૈક્ષણિક સત્ર ટૂંકમાં શરૂ થવાનું હોવાથી તાત્કાલિક આ માગણીઓ મુદ્દે યોગ્ય કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *