ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિઝિટિંગ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. વિઝિટિંગ ડોક્ટરોના પગારમાં રૂપિયા 1,200થી લઈને 5,800 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝિટિંગ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટ ડોકટરોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારી અને GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝિટિંગ સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના પ્રતિ દિન વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ડોક્ટરોને 3 કલાકની સેવા બાદ રૂ. 4,200 વેતન મળશે આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝિટિંગ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટ ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ 3 કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂપિયા 4,200 વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડિયાટ્રીશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિ દિન રૂપિયા 3,000 અને તે સિવાયના અન્ય નિષ્ણાત ડોક્ટર્સને પ્રતિ દિન રૂપિયા 2,000 માનદ વેતન આપવામાં આવતું હતું.