ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ મૌલિક કુમાર શેઠ દ્વારા અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી જજ ભાર્ગવ કારિયા અને નીરવ મહેતાની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. આ અરજી આવકવેરા વિભાગ સામે કરવામાં આવી હતી. આ કેસમાં વકીલને ત્યાં આવકવેરા વિભાગની ટીમે રેડ પાડી હતી અને તેના અસીલ દ્વારા કરાયેલા MOUના દસ્તાવેજ માગ્યા હતા. આ માટે 4 દિવસ સુધી વકીલને ક્યાંય જવા દેવાયા નહોતા તેમજ તેમના અસીલોનો ડેટા પણ લઈ લેવાયો હતો. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટ આકરા પાણીએ થઈ હતી અને જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ અરજદારની માફી માગે અથવા અઘરી પરિસ્થિતિનો સામનો કરે. જ્યારે આવકવેરા વિભાગ વતી એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા એન.વેંકટરામન ઉપસ્થિત થયા છે.
ITની તપાસની રીતથી હાઇકોર્ટ નારાજ
અરજદાર તરફથી મુકુલ રોહતગી, સુધીર નાણાવટી, બી.એસ. સોપારકર જેવા સિનિયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા છે. જજ ભાર્ગવ કારિયા અને જજ નીરાલ મહેતાની કોર્ટ સમક્ષ 03.45 વાગ્યાથી દલીલો ચાલી રહી છે. આવકવેરા વિભાગના ઓફિસર પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા છે. એડવોકેટને ત્યાં આવકવેરા વિભાગની તપાસની રીતથી કોર્ટ નારાજ છે. બંને પક્ષે કાયદાની ઝીણવટભરી દલીલો કરવામાં આવી રહી છે.
ગત સુનાવણીમાં શું દલીલો થઈ હતી
ગત સુનાવણીમાં અરજદાર તરફથી દિલ્હીથી એડવોકેટ મુકુલ રોહતગી પણ જોડાયા હતા. ત્યારે આવકવેરા વિભાગે કહ્યું હતું કે તેમને મળેલી માહિતીના આધારે તેમણે કામગીરી કરી હતી. આ સર્ચ- ઓપરેશન ફક્ત એક વ્યક્તિ સામે નહીં, પરંતુ અલગ અલગ લોકો સામે હતું. કોર્ટે આવકવેરા વિભાગ વતી દલીલ કરતાં વકીલને કહ્યું હતું કે કાલે તમે પણ સલામત નહીં હોવ. આવકવેરા વિભાગ કોઈકના કબજાના કાગળિયા કેવી રીતે લઈ શકે? શું આવકવેરા વિભાગ પોલીસ છે? વકીલ પાસે તેના અસીલના ખાનગી દસ્તાવેજ હોય છે એ આવકવેરા વિભાગ કેવી રીતે લઈ જઈ શકે? આવકવેરા વિભાગે દમનકારી સત્તા વાપરી છે. આવી રીતે તો કોઈ માણસ સલામત નહીં રહે!