રાજકોટ શહેરની ભાગોળે આવેલા લોધિકા તાલુકાના વીરવા ગામે સરકારી જમીનમાં ગેરકાયદે ખડકાયેલા ઔદ્યોગિક દબાણો દૂર કરવા મામલતદારે શુક્રવારે દબાણ હટાવ ઓપરેશન હાથ ધર્યું હતું અને અંદાજે 2000 ચો.મી. જમીનમાં ચાર મોટા ઉદ્યોગકારોએ વર્ષોથી ખડકી દીધેલું ગેરકાયદે દબાણ દૂર કરી અંદાજે રૂ.3 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકારી જમીનો પરથી દબાણો દૂર કરવા સતત તાકીદ કરવામાં આવી રહી છે અને તેના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર પણ પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સાથેની દરેક બેઠકમાં દબાણો દૂર કરવાની કામગીરી વેગવંતી બનાવવા પર ભાર મુકી કરાયેલી કામગીરીની સમીક્ષા કરતા હોય છે.
જેના પરિણામે લોધિકા તાલુકાના વીરવા ગામે ચાર ઉદ્યોગકારોએ કરોડો રૂપિયાની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણો ખડકી દીધાની હકીકત ધ્યાનમાં આવતા લોધિકા મામલતદારે નોટિસ ફટકારી દબાણનો કેસ ચલાવ્યા બાદ દબાણ સ્વૈચ્છાએ દૂર કરવા નોટિસ આપી હતી અને આમ છતાં વગધારી ઉદ્યોગકારોએ દબાણ દૂર નહીં કરતા શુક્રવારે તાલુકા મામલતદારની ટીમે બુલડોઝર સાથે ધસી જઇ દબાણો પર બુલડોઝર ફેરવી દીધા હતા.