સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રમાઈ રહેલી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામાં 2 કોચ વચ્ચે થયેલી કુસ્તીએ રમત ગમત જગતમાં ચર્ચા જગાવી છે. અહીં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 2 દિવસથી રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં એક કોલેજના કોચ મેનેજરે ડ્રો પાડવાની પદ્ધતિ ખોટી હોવાનુ કહી વાંધો ઉઠાવ્યો હતો અને નિયમો માગવામાં આવ્યા હતા. જો કે, તાત્કાલિક નિયામક ન મળતા કોચ મેનેજર રોનક ભેંસદડિયાએ વીડિયોગ્રાફી શરૂ કરી હતી. દરમિયાન ઓબ્ઝર્વર હરેશ ભાલિયાએ ગરમાગરમી બાદ મારામારી કર્યાની ચર્ચા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામાં ભાઈઓની શુક્રવારે રમાયેલી ફ્રી સ્ટાઇલ કોમ્પિટિશનમાં 19 કોલેજના 90 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યારે આજે ભાઈઓની ગ્રીકો રોમન ઇવેન્ટમાં ભાઈઓમાં 14 કોલેજના 70 ખેલાડીઓ હતા. જ્યારે બહેનોની ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં 15 કોલેજની 60 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં 2 દિવસથી રાજકોટની AMP લો કોલેજમાંથી કોચ મેનેજર તરીકે આવેલા ડો. રોનક ભેંસદડિયાએ ઇવેન્ટ સામે વાંધો ઉઠાવી પૂછ્યું હતું કે, સ્પર્ધામાં ડ્રો ખોટી રીતે કરવામા આવી રહ્યો છે. આ સાથે જ નિયમો માગવામાં આવ્યા હતા. જો કે, નિયમો મળ્યા નહોતા. આ દરમિયાન કોચ મેનેજર વીડિયોગ્રાફી કરી રહ્યા હતા. જેથી ઓબ્ઝર્વર તરીકે રહેલા જે.જે. કુંડલિયા કોલેજના કોચ ડો. હરેશ ભાલિયાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ગરમાગરમી અને મારામારી થઈ હતી. જો કે, ત્યાં હાજર કોચ સહિતનાએ બન્નેને છૂટ્ટા પાડ્યા હતા. પરંતુ કુસ્તીની સ્પર્ધામાં 2 કોચ વચ્ચે થયેલી કુસ્તીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ અને રમત ગમત જગતમાં ચર્ચા જગાવી છે.