ઓણ સાલ ચોમાસાને કારણે રાજકોટ શહેર-જિલ્લાને જોડતા તમામ મુખ્ય માર્ગોમાં ઠેર-ઠેર ગાબડાં પડી જતા વાહનચાલકોમાં ભારે દેકારો બોલી ગયો હતો અને તેના રિપેરિંગ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર પાસે અંદાજે રૂ.12 કરોડની ગ્રાન્ટ પણ માગવામાં આવી છે જે બાબતનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી ત્યાં રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના 45 ટકા જેટલા માર્ગોના પેચવર્કનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને બાકીનું કામ આગામી સપ્તાહે પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક આર એન્ડ બી વિભાગે રાખ્યો છે. દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા બે દિવસથી પેચવર્કની કામગીરી અટકી પડી છે.
માર્ગ અને મકાન વિભાગ રાજકોટ રૂરલના સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના મુખ્ય માર્ગો પર અનેક સ્થળોએ ચોમાસામાં મોટા ખાડા પડી ગયાની ફરિયાદો ઊઠી હતી જેને ધ્યાનમાં લઇ ચોમાસાની સત્તાવાર વિદાય બાદ જિલ્લાના મુખ્ય માર્ગો પર પેચવર્કની કામગીરી શરૂ કરાઇ હતી, પરંતુ છેલ્લા બે દિવસથી ફરી માવઠા શરૂ થતા પેચવર્કની કામગીરી અટકી ગઇ છે. હાલમાં જિલ્લામાં 45થી 47 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આગામી એક સપ્તાહમાં આ કામગીરી 100 ટકા પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક છે.