કાપોદ્રામાં તાપી કિનારે પાણીમાંથી શનિવારે સવારે યુવતીની લાશ મળી હતી. યુવતી સાથે કંઈ અજુગતું બન્યું હોવાની આશંકાને પગલે પરિવારજનો અને સમાજના આગેવાનો રવિવારે સવારે યુવતીની અર્થી લઈ કાપોદ્રા પોલીસ સ્ટેશનને પહોંચી ગયા હતા. જેને લઈને મામલો વધુ ગરમાર્યો હતો. આખરે પોલીસે તટસ્થ તપાસની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.
કાપોદ્રા સિધ્ધકુટિર મંદિરની પાછળ તાપી કિનારા પરથી શનિવારે સવારે એક યુવતીની અર્ધ નગ્ન હાલતમાં લાશ મળી હતી. કાપોદ્રા પોલીસે ફાયરને બોલાવી લાશને બહાર કાઢી હતી. પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી. દીકરી સાથે કંઈ અજુગતું બન્યું હોવાની આશંકા પરિવારે પોલીસને વ્યક્ત કરી હતી. જેના કારણે પોલીસે પેનલ ડોક્ટર દ્વારા ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું. પીએમમાં યુવતીનું ડૂબી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું.
શનિવારે સાંજે યુવતીની ડેડબોડીનું પીએમ થયું હતું.પછી ડેડબોડી પોલીસે પરિવારને સોંપી દીધી હતી.યુવતીનો ભાઈ રાજકોટથી આવવા નીકળી ગયો હતો. જેથી પરિવારે યુવતીની લાશ સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મુકી દીધી હતી. રવિવારે સવારે લાશને અંતિમવિધી માટે પરિવારજનો લઈ ગયા હતા. અચાનક પરિવારજનો સાથે આગેવાનો યુવતીની અર્થી લઈને સીધા કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.પોલીસ સ્ટેશને જઈ પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી.