લેઉવા પાટીદાર સમાજના બે આગેવાન વચ્ચેનો વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને રાદડિયા વચ્ચેના આ અણબનાવ વચ્ચે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી નામ લીધા વિના જ જેમને ખાસ સંદેશ આપવાનો છે તેમને આપી દીધો છે. તેમણે ગત 28 જુલાઈની રાત્રે સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી. આ દરમિયાન જયેશ રાદડિયાએ ફરીવાર ‘ટાર્ગેટ’ પર તીર છોડ્યાં છે. પૂર્વ મંત્રી રાદડિયાએ જણાવ્યું હતું કે અમુક લોકોને શું પેટમાં દુખે છે? કોઈને આમાં મજા આવે છે. મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય તેમને સ્વીકારજો, માયકાંગલાની સમાજને જરૂર નથી. તે પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાખશે. તાકાતવાળો હોય તેને આગળ કરજો. કોઈ પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં.
સુરતમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા આવેલા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સુરતના આંગણે મારા પિતાશ્રીની પાંચમી પુણ્યતિથિ અને એ નિમિત્તે જામકંડોરણા-જેતપુર પરિવાર તથા રાદડિયા પરિવાર અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું જે ભવ્ય આયોજન કરાયું છે. 28, 29 અને 30 એમ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં આવાં સેવાકીય કાર્યો ચાલી રહ્યાં છે. અંદાજે 11000થી વધુ બોટલ રક્ત એકઠું થાય એ પ્રમાણે આયોજન ચાલી રહ્યું છે. વિઠ્ઠલભાઈ પ્રત્યે જે લાગણી હતી એ અને અત્યારે 5 વર્ષ થયાં છતાં આ સંબંધમાં ઉત્તરોત્તર વધારો થયો છે. એ પ્રમાણેનો માહોલ છે, એ બતાવે છે કે એ સંબંધમાં આપણે દિવસે ને દિવસે વધારો કરી શક્યા. જે પ્રમાણે મારી એન્ટ્રી સમયે તમે પ્રેમ બતાવ્યો એ સુરતના આંગણે જ પ્રેમ મળી શકે છે, કામ કરવાની એ શક્તિ દિવસે ને દિવસે એ અમારામાં કામ કરવાનું બળ પૂરું પાડે છે.