રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક આવેલા બાલાપર ગામે વાડી વિસ્તારમાં કુવા ગાળવાની મજૂરી કામ કરતા રાજસ્થાનના યુવકનું તેના જ કોન્ટ્રાક્ટરે વીડિયો જોવા બાબતે માથાકૂટ થતા ઢીમ ઢાળી દીધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને ફોરેન્સીક પોસમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
કામ દરમિયાન ફોનમાં વીડિયો જોઈ રહ્યાં હતા
આ અંગેની પ્રાર્પ્રત થતી માહિતી મુજબ, તાપસિંહ ભોજાસિંહ રાવત મુળ રાજસ્થાનનો વતની હતો. અહીં રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં બાલાપર ખાતે કુવો ગાળવાનું કામ કરતા કોન્ટ્રાકટર પ્રેમસિંહના કોન્ટ્રાકટમાં તે કામ કરતો હતો. એક મહિના પહેલા તે રાજસ્થાનથી અહીં આવ્યો હતો અને પ્રેમસિંહ સાથે કામ કરતો હતો. ગઇકાલે બપોરે બાલાપરના ખેડૂત મહાદેવભાઇ પટેલની વાડીમાં કુવા ગાળવાનું કામ ચાલુ હતું. ત્યારે મૃતક પ્રતાપસિંહ અને તેની સાથે મજુરી કરતો શાપરનો રઘુ બંને મોબાઇલ ફોનમાં વીડિયો જોઈ રહ્યા હતાં. ત્યારે જ કોન્ટ્રાકટર પ્રેમસિંહ ત્યાં આવી જતા બંનેને ઠપકો આપ્યો હતો અને મોબાઇલમાં વીડિયો જોવાનું બંધ કરી કામ પર લાગવા કહ્યું હતું.
ફોન પરત માંગતા ઉગ્ર બોલાચાલી થઈ
આ સમયે શાબ્દીક રકઝક થઇ હતી. જેથી પ્રેમસિંહે મોબાઇલ લઇને પોતાની પાસે રાખી લીધો હતો. આ પછી કુવો ગાળવાનું કામ ચાલુ થયું હતું અને સાંજ સુધી કામ ચાલ્યું હતું. પછી રાત્રે જમવા બેસતી વખતે મોબાઇલ પરત આપવા બાબતે ફરી માથાકુટ થઇ હતી. પ્રેમસિંહે મોબાઇલ પરત ન આપતા ભારે ઝઘડો થયો હતો. તે પછી સવારે ફરી કુવા ગાળવાનું કામ ચાલુ હતું, તે સમયે ફરી એકવાર માથાકૂટ થઇ હતી. જેમાં પ્રતાપસિંહ અને પ્રેમસિંહ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. દરમિયાન પ્રેમસિંહે તેના ભાઇ અને અહીં કામ કરતા અન્ય એક મજૂરે મળી હુમલો કરતા પ્રતાપસિંહને બોથડ પદાર્થ કે અન્ય હથિયાર વડે માર મારતા ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ પ્રતાપસિંહે દમ તોડી દીધો હતો.