રાજકોટમાં બે શખસ પૈસા ઉપાડવા આવનારાની નજર ચૂકવી કાર્ડ બદલી પાસવર્ડ જાણી રૂપિયા ઉપાડી લેતા

રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, મોરબી, ભુજ અને ગાંધીધામ વિસ્તારમાં એટીએમ સેન્ટર પર રૂપિયા ઉપાડવામાં મદદ કરવાના બહાને કાર્ડધારક પાસેથી પિન નંબર જાણી નજર ચૂકવીને કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લોકો સાથે છેતરપિંડી કરતા આંતરરાજ્ય ગેંગના બે શખસની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ગેંગના બે શખસની ધરપકડ કરી તેની પાસેથી અલગ અલગ બેન્કના કુલ 19 ATM કાર્ડ સહિત રોકડ મળી કુલ 60,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બન્ને આરોપી પાસેથી 40 હજારની રોકડ રકમ પણ મળી
રાજકોટ ભક્તિનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, બે શખસ શંકાસ્પદ છે જેને અટકાવી તલાસી લેતા તેની પાસેથી અલગ અલગ બેન્કના 19 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા અને 40,000 જેટલી રોકડ રકમ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા બન્ને આરોપીઓએ તેમના નામ અવનિશકુમાર સિંઘ અને રાકેશ શાહ જણાવ્યું હતું. તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેમને કબૂલાત આપી હતી કે, તેઓ એટીએમ ખાતે મદદ કરવાના બહાને પહોંચી નજર ચૂકવી કાર્ડ બદલી પાસવર્ડ જાણી બાદમાં રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી આચરતા હતા. જેથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડુપ્લિકેટ કાર્ડ આપી ઓરિજીનલ કાર્ડ મેળવી લેતા
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પોતાની પાસે અલગ અલગ બેન્કના એટીએમ કાર્ડ રાખતા હોય છે. આ પછી તેઓ એટીએમ નજીક ઉભા રહે છે જ્યાં કોઈ સિનિયર સિટીઝન કે અભણ વ્યક્તિ આવે કે જેમને એટીએમનો ઉપયોગ કરતા ન આવડતું હોય તેમની પાસે જઈ મદદનું બહાનું કરી રૂપિયા ઉપાડી આપે છે અને આ દરમિયાન તેમના પાસવર્ડ જાણી બાદમાં તેઓ નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી તેમને ડુપ્લીકેટ કાર્ડ પરત આપી ઓરીજીનલ મેળવી લઈ અને પછી તેમાંથી રૂપિયા ઉપાડી છેતરપિંડી આચરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *