રાજકોટમાં બાળકી ઉપરના દુષ્કર્મના કેસમાં આરોપી જીવે ત્યાં સુધીની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2019માં 8 વર્ષની એક બાળકીને ખારેકની લાલચ આપી રૂમમાં બોલાવી હતી અને બાદમાં માસુમ સાથે આરોપીએ કુકર્મ આચર્યું હતું. તેમજ બાદમાં આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેનો કેસ ચાલી જતા પોક્સો અદાલતના સેસન્સ જજે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની હકીકત એવી છે કે, તા. 24 જુલાઈ 2019નાં બપોરે 12થી 1 વાગ્યાનાં અરસામાં પોપટપરામાં રહેતા શામજીભાઈ મગનભાઈ માનસુરીયાએ 8 વર્ષની બાળાને ખારેકની લાલચ આપી અંદર બોલાવી રૂમ બંધ કરી દીધો હતો. બાળાના અટકાયતમાં રાખી તેની સાથે જબરજસ્તી કરી જાતીય હુમલો કર્યો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતુ. બળાત્કાર કરી કોઈને આ બનાવની જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી આરોપીને જેલહવાલે કર્યો હતો.