રાજકોટ જિલ્લા પંચાયતની સાધારણ સભાની બેઠક આવતીકાલે જૂના કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 11.30 વાગ્યે મળનારી છે. જેમાં વિપક્ષે પૂછેલા પ્રશ્નોના મુદ્દે તડાફડી થવાની શક્યતાઓ છે. જોકે જિલ્લા પંચાયતના કુલ 36 સભ્યમાંથી માત્ર 2 જ સભ્યને પ્રજાની હાલાકી મુદ્દે પ્રશ્નો ઉઠાવવાની સમજ પડી છે જ્યારે બાકીના પ્રજાના મતે ચૂંટાયેલા 34 સભ્ય માત્ર સામાન્ય સભામાં શોભાના ગાંઠિયાની જેમ હાજરી પુરાવા માટે આવતા હોય તેમ પ્રજાના પ્રશ્નો પ્રત્યેની તેમની ઉદાસીનતા છતી થઇ છે.
રાજકોટ જિલ્લામાં હાલમાં આરોગ્યની સેવા, તૂટેલા રસ્તાઓ, ખેતીમાં નુકસાન, સ્કૂલો અને આંગણવાડીમાં અસુવિધા જેવા અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે ત્યારે પ્રજાના મતોથી ચૂંટાયેલા 34 સભ્યમાંથી એકપણ સભ્યને આ સમસ્યા દેખાઇ ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. એજન્ડામાં જુદા-જુદા 12 મુદ્દા સમાવાયા છેે.