માતાજીની આરાધના માટેનું મહાપર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિના નવ દિવસ પુરા થયા બાદ આજે વિજયા દશમી એટલે કે દશેરાનો દિવસ છે. નવલા નોરતાના નવ દિવસ દરમિયાન અર્વાચીન ગરબાની રમઝટ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીઓનું અનેરું મહત્વ જોવા મળ્યું હતું. રાજકોટની વિવિધ પ્રાચીન ગરબીઓના અલગ અલગ પ્રખ્યાત રાસમાં રમતી બાળાઓને જોવા માટે રાજકોટભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા. તેવામાં ખાસ રાજકોટની કરણપરા ગરબી ખાતે બાળાઓનો અઘોર નગારા રાસ આકર્ષનું કેન્દ્ર બન્યો હતો. જેમાં માતાજી રિમોટ સંચાલિત મગર પર સવાર થઈ આવ્યા હતા અને આ રાસ સાથે લોકોની આસ્થા જોડાયેલી પણ જોવા મળી રહી છે.
રાજકોટ શહેરમાં આ વર્ષે 30 જેટલા અર્વાચીન આયોજનો વચ્ચે પણ 500થી વધુ શેરી ગરબામાં રમાતી પ્રાચીન ગરબીએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. રાજકોટમાં જય અંબે ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કરણપરા ખાતે ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીંયા નાની બાળાઓએ માતાજીની પૂરી શ્રદ્ધાથી આરાધના કરી રાસ રમી ગરબા ગાયા હતા. લગભગ છેલ્લા ચાર દાયકા એટલે કે 40 વર્ષથી આ ગરબીનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે. આજુબાજુના વિસ્તારના સાથ સહકાર તેમજ કાર્યકરો અને આયોજકો દ્વારા આ ગરબી કરવામાં આવે છે. નવરાત્રિના એક મહિના અગાઉનાથી બાળાઓ પ્રેક્ટિસ કરતી હોય છે.