ગત 25 મે, 2024ના રોજ રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો અને તેમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ અગ્નિકાંડ થયા બાદ ફાયરની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે આજે રાજકોટ મનપાનોનો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે 3 લાખની લાંચ માગી
રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને જામનગર ACBએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જામનગર ACB પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિગમાં પોતે કરેલા ફાયર સેફ્ટીના કામ અંગેનું એનઓસી લેવા ફાયર ઓફિસર પાસે ગયો હતો. જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારુએ તેની પાસે NOC આપવા 3 લાખની લાંચ માગી હતી. જોકે, ફરિયાદીએ આ કામ માટે 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 1.80 લાખ ચાર-પાંચ દિવસમાં આપવાનું કહ્યું હતું.