રાજકોટમાં ઘરમાં ગેસ લીકેજથી ધડાકા સાથેઆગ ભભૂકી, પિતા-પુત્ર દાઝ્યા

શહેરના મોરબી રોડ પર ગિરીરાજ પાર્ટી પ્લોટ પાસેના ખોડિયારપાર્કમાં રહેતા સરેરિયા પરિવારના ઘરમાં આખી રાત ગેસ લીકેજને કારણે બુધવારે વહેલી સવારે અચાનક જ ધડાકા સાથે આગ ભભૂકી ઊઠી હતી. આગમાં પિતા-પુત્ર દાઝી જતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ખોડિયારપાર્કમાં રહેતા પીયૂષ રમેશભાઇ સરેરિયા (ઉ.વ.18)ને બુધવારે સવારે પાડોશી ચંદ્રસિંહ પઢિયાર સાથે પૂનમ નિમિત્તે સુરેન્દ્રનગર દર્શન કરવા જવું હોય, સવારે છ વાગ્યે જાગીને માતાજીના મંદિરવાળી રૂમમાં ગયો હતો તે સાથે જ અચાનક ધડાકો થયો હતો અને આગ ભભૂકી ઊઠી હતી. પીયૂષ આગની લપેટમાં આવી જતાં તેને બચાવવા તેના પિતા રમેશભાઇ સરેરિયા (ઉ.વ.48) દોડ્યા હતા અને તે પણ દાઝી ગયા હતા. ઘટનાને પગલે પાડોશીઓ એકઠા થઇ ગયા હતા અને પાણીમારો ચલાવી આગ બુઝાવી દાઝી ગયેલા પિતા-પુત્રને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી.

સરેરિયા પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ઘરના બહારના ભાગે ગેસ પર પાણી ગરમ કરવા મુકાયું હતું. મંદિરવાળા રૂમમાં બીજો ગેસનો બાટલો હતો તેમાંથી આખી રાત ગેસ લીક થઇ રૂમમાં ભરાયો હતો અને સવારે પીયૂષ દર્શન કરવા ગયો તે વખતે નજીકમાં બીજો ગેસ ચાલુ હોય તે તરફ રૂમમાંથી લીકેજ ગેસ આવતો હોય આગ લાગી ગઇ હતી. પોલીસે કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *