રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યના તમામ શહેરમાં શંકાસ્પદ ચાંદીપુરાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી રાહતના સમાચાર આવ્યા છે. આજે 7 વર્ષની બાળકીએ ચાંદીપુરાને હરાવ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરની જનાના હોસ્પિટલમાં 11 દિવસની સારવાર બાદ પડધરીની બાળકીને રજા આપવામાં આવી હતી. જેને લઈને પરિવાર સહિત ડૉક્ટર્સમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. માતા-પિતાએ ડૉક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયાએ પણ આ તકે ખુશી વ્યક્ત કરી હતી. જોકે, હજુપણ હોસ્પિટલમાં કુલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે. આ પૈકી એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવી ચુક્યો છે.
જનાના હોસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગના વડા ડોક્ટર પંકજ બુચે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 20 જુલાઈના રોજ મૂળ પડધરીની બાળકીને ગંભીર હાલતમાં એક મોટી હોસ્પિટલમાંથી અહીં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બાળકીને તાવ-આંચકી આવતી હોવા સહિતના ચાંદીપુરા વાઇરસના લક્ષણો જોવા મળતા તેનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલી સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આ માટે અનેક રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકીની તબિયત 5 દિવસ સુધી ખરાબ રહ્યા બાદ ધીમે-ધીમે સુધારો આવ્યો હતો. આજે 11 દિવસ બાદ તેણી સંપૂર્ણ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.