પાક.માં ક્રિકેટરોને આર્મી જેવી આકરી ટ્રેનિંગ અપાતા 3 ઘાયલ

પાકિસ્તાનમાં સેનાને તમામ સમસ્યાઓની દવા માનવામાં આવે છે. પાક ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ સુપર લીગ દરમિયાન મોટા શૉટ્સ ના ફટકારી શકવા બદલ ખેલાડીઓને આડેહાથ લીધા હતા. ડ્રેસિંગ રૂમમાં તેમણે ખેલાડીઓને કહ્યું મારે તમારી ફિટનેસમાં સુધારો કરવો છે. આ પછી નકવીએ સુપર લીગ સમાપ્ત થતાંની સાથે જ પાક ક્રિકેટરોને 14 દિવસની તાલીમ માટે કાકુલની પાક મિલિટરી એકેડમીમાં મોકલ્યા.

પર્વતો પર ચઢાણ અને પથ્થર ઉપાડવા જેવી કઠોર તાલીમ આપવામાં આવી રહી છે. આ લશ્કરી તાલીમ દરમિયાન પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન, આઝમ ખાન અને ઈરફાન નિયાઝી ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેયને ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણેની સીરિઝમાં બહાર બેસવું પડ્યું હતું. હવે 2 જૂનથી શરૂ થનારી ટી-20 વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે સીરિઝ રમવા પર પણ સવાલ ઊભા થયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર લશ્કરી તાલીમ દરમિયાન કાકુલના પર્વતો પર ક્રિકટરોને એકબીજાની પીઠ પર બેસાડી દોડાવી રહ્યા છે. આ સાથે આર્મી ફિઝિકલ હર્ડલ, બર્મા બ્રિજ અને ક્લાઈમ્બિગ પણ કરાવાય છે. સૌથી અઘરી કવાયત ખેલાડીઓને એકબીજાની પીઠ પર બેસાડીને દોડવું છે. જેમ એક સૈનિક યુદ્ધના મેદાનમાં તેના ઘાયલ સાથીને પીઠ પર ઉઠાવીને દોડે છે. જેમાં ઘણા ખેલાડીઓ હાંફી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *