રાજકોટમાં વધુ એક સગીરાનો દેહ પીંખાયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રામપર ગામે રહેતા કૌટુંબિક કાકાએ જ પોતાની 14 વર્ષની સગીર વયની ભત્રીજીનું અપહરણ કરી બે દિવસમાં જુદા-જુદા સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પોલીસે બનાવ અંગે આરોપી વિરુદ્ધ પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના પડધરીના રામપર ગામે રહેતા આરોપી કૌટુંબિક યુવા વયના કાકાએ પોતાની સગીર વયની 14 વર્ષની ભત્રીજી ઉપર નજર બગાડી દુષ્કર્મ આચર્યું છે. કૌટુંબિક કાકાએ સગીરા ઉપર નજર બગાડી સગીરાને બદ ઈરાદે પોતાની જાળમાં ફસાવવા પ્રયત્ન શરૂ કરી સગીરાને લલચાવી ફોસલાવી ઘર બહાર બોલાવી તા.11.6.2024ના રોજ અપહરણ કરી ભગાડી ગયો હતો જે બાદ લાંબા સમય સુધી સગીરા ઘરે ન આવતા પરિવારજનોને સગીરાની શોધખોળ હાથ ધરી હતી. આસપાસ તપાસ કરી, સગા-સંબંધીઓના ઘરે તપાસ કરી પણ સગીરા મળી આવી ન હતી.